એવા હેત રાખજો તમે રામથી – પ્રાચીન ભજન
EVA HET RAKHAJO TAME RAM THI – SANTVANI BHAJAN
રચનાઃ દાસી જીવણ
એવા હેત રાખજો તમે રામથી,
જેવા રાખે ચંદ્ર ને ચકોર,
રાખે બપૈયાને મોર,
એવા હેત રાખજો તમે રામથી… ટેક
હેત રે વખાણીએ કુંજલડી કેરા,
બચલા મેલી મેરામણ થી જાય,
આઠ-આઠ માસે આવીને ઓળખે,
એનું નામ હેત રે કહેવાય…. એવા હેત રાખજો
હેત રે વખાણીએ ઓલી વીંછણ કેરા,
બચલાને સોંપી દે શરીર,
આપ રે મરેને પરને ઓધરે,
એવી એની મેરુ સરખી ધીર…. એવા હેત રાખજો
અનળ પક્ષીને વ્રેહ ઘણેરો,
ઊડીને આકાશે રે જાય,
દ્રષ્ટિ રે થકી કુળ એના નિપજે,
એનું નામ હેત રે કહેવાય…. એવા હેત રાખજો
હેત રે વખાણીએ ઓલી પનિહારી કેરા,
કુવે જળ ભરવાને જાય,
હસે રે રમે ને કર તાળી દીયે,
છતાં એની સુરતા બેડલાની માયા… એવા હેત રાખજો
રંગબેરંગી ભમરડો ઉડીને,
આકાશે રે જાય,
દાસી રે જીવણ સંતો વિનવે,
આ વાતું અનુભવીને ઓળખાય…. એવા હેત રાખજો