અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરી – ભજન સંતવાણી
AKHIL BRAHMAND MA EK TU SHREE – SANTVANI BHAJAN
રચનાઃ નરસિંહ મહેતા
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ,
ઝૂઝવે રૂપ અનંત ભાસે,
દેહમાં દેવ તું તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂદરા,
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે,
વિવિધ રચના કરી, અનેક રસ લેવાને,
શીવ પછી જીવ થયો એ જ આશે.
વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે,
કનક કુંડળ વિશે ભેદ ન હોય,
ઘાટ ઘડિયા પછી, નામ રૂપ ઝુજવા,
અંતે તો હેમનું હેમ હોય.
ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી,
જેને જે ગમે તેને પૂજે,
મન કર્મ વચનથી, આપ માની લહે,
સત્ય છે એ જ મન એમ સુજે.
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરો એ જ પાસે,
ભણે નરસૈયો જે, ભેદ જાણી જુઓ,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.