કાનુડો શું જાણે મારી પ્રીત – મીરાબાઇનું ભજન
કાનુડો શું જાણે મારી પ્રીત,
બાયું અમે બાળકુંવારા રે… ટેક.
જળ રે જમાના ના અમે, ભરવાને ગ્યાંતાં કાના,
કાનુડે ઉડાડયાં આછાં નીર,કૈ ઉડયાં સરરરર… રે…..કાનુડો શું જાણે…
જમુનાને તીરે કાનો વાંસળી વગાડે… ઓધા.
વાંસળી વગાડીને ભાગ્યાં ઢોર,કે ભાગ્યા ભરરરર… રે…..કાનુડો શું જાણે…
વનરા તે વનમાં કાનો, રસ રચાયો… ઓધા.
સોળસે ગોપીનાં ખેંચ્યા ચીર,કે ચીર ફાટયાં ચરરરર… રે….કાનુડો શું જાણે…
હું રે વેરાગણ, કાના તારા નામની,
કાનુડે તાણીને માર્યા તીર,તીર વાગ્યાં અરરરર… રે….કાનુડો શું જાણે…
બાઇ ‘મીરા’ ગાવે વ્હાલા, ગિરિધરના ગુણ
કાનુડે બાળીને કીધા ખાખ,રાખ ઉડી છરરરર… રે…કાનુડો શું જાણે…