લગનનું ટાણું એક – ભજન સંતવાણી
લગનનું ટાણું એક દિ આવશે જીવરાજા,
જાન તે જબરી જોડાવશે રે …..
કાયા તો તારી થર થર ધ્રુજશે,
અન્ન પાણીડાં નહીં ભાવશે રે …. લગનનું ટાણું …. (1)
સગા રે વ્હાલા તારી પાસે નહી આવે,
મુઆ માટેની બાધા રાખશે રે,
સવારથનો પ્રેમ સૌ ઉપલો બતાવશે,
રોદણાં રડીને દેખાડશે રે ….. લગનનું ટાણું …. (2)
અંત વેળાએ તને પસ્તાવો થાશે,
જીવનની નાવ તારી ડુબશે રે,
ઉપર જવાની તારી તૈયારી થાશે,
પ્રાણ પંખેરૂ તારું ઉડશે રે …. લગનનું ટાણું …. (3)
અંગના ઘરેણા તારા ઉતારી લેશે,
ધરતી પર તને પોઢાડશે રે,
ચાર શ્રીફળ તારી પાલખીએ બાંધશે,
ફુલની પછેડી ઓઢાડશે રે …. લગનનું ટાણું ….. (4)
જાન જોડતા તારા સગાને વ્હાલા,
નાહકના નિસાસા નાખશે રે,
ઝાંપા સુધી રે તને વળાવી આવશે,
અમંગળ મંગળિયા વરતાવશે રે ….. લગનનું ટાણું …. (5)
ચાર વિહામે તારો વરઘોડો ફરશે,
સમશાને ચિતા ખડકાશે રે,
અગ્નિ દાહ તારા દિકરાઓ આપશે,
સ્નાન કરીને ઘેર આવશે રે …. લગનનું ટાણું …. (6)
બાર રે દહાડે તારી ક્રિયાઓ કરશે,
મિઠાઇ ભોજન મનાવશે રે,
વરસ થાતા રે તારી વરસી રે વાળશે,
પછી તારી યાદ નહી આવશે રે …. લગનનું ટાણું …. (7)
જમના દરવાજે તારું જોર નહી ચાલે,
પલ પલનાં લેખા ત્યાં લેવાશે,
જિંદગી રે તે તો તારી એળે ગુમાવી,
અફસોસ એનો તને લાગશે ….. લગનનું ટાણું …. (8)
સાચા સદગુરૂ શરણું રે શોધજે,
કાળ ત્રિકમ માંગી આવશે રે,
માધવ નામમાં મસ્ત બનીને,
જનમ મરણના ફેરા ટાળશે રે …. લગનનું ટાણું …. (9)