એવી હાલી રે અયોધ્યા રામને – ભજન ભક્તિ
એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા,
વાલીડાને વસમી દેવા વિદાય રે …. ટેક
એવા વેલેથી વછુટ્યા રાતા ગલ ફુલડા,
ઉગ્યું કાંય ગોજારું પરભાત રે ….
એવી હાલી રે અયોધ્યા રામને ….
તાંબા રે વરણો રે સુરજ ઉગ્યો,
માવડીયું એ મેલ્યાં રોતા નાનાં બાળ રે,
એવી હાલી રે અયોધ્યા રામને ….
ભુખ્યા રે પેટે રે ગાયું જોને ભાંભરી,
ગાયા એણે મરસીયા જેવા રાગ રે,
એવી હાલી રે અયોધ્યા રામને….
કવિ દાદ રે કહે છે, અયોધ્યાના રાયને,
ચૌદ ચૌદ વરસ દિધો વનવાસ રે,
એવી હાલી રે અયોધ્યા રામને ….