Santvani Desi Bhajan -BEST BHAJAN SANTVANI
જ્ઞાની ગુરુ મળ્યા રે -ગુજરાતી પ્રાચીન ભજન
રચનાઃ દાસ સત્તાર
જ્ઞાની ગુરુ મળ્યા રે ગોળી મારી જ્ઞાન તણી,
કંચન કાયા કીધી રે ગુરુ તો મારા પારસમણી…. ટેક
હું તો જન્મની આંધળી, મને ગુરુ એ આપી આંખ,
ગુરુચરણ નું અંજન આંજ્યું, મટી ગઈ સહુ ઝાંખ
આંખો ખોલી જોયું રે, ઘટ ઘટ બેઠો અલખધણી…… જ્ઞાની ગુરુ….
ગુરુના ગુણ ને શું ગાવું, એ ગુણનો ન આવે પાર,
ગુરુ તો મારા આંખની જ્યોત, ગુરુ હૃદયના હાર,
ગુરુ દયાળુ દેવા રે, ગુરુ કૃપા તો ઘણી ઘણી…… જ્ઞાની ગુરુ
તન મન ગુરુને અર્પણ, હું તો ગુરુની દાસ,
ગુરુ ગરીબ નવાજ, પૂરે ગરીબોની આશ,
ગુરુ ચરણ માં રહેવું રે, ગુરુ તો મારા ધિગા ધણી…… જ્ઞાની ગુરુ
ગુરુના દર્શન કરતાં નિશદિન,અડસઠ તીરથ થાય,
દાસ ‘સતાર’ સેવા કરતાં, હૈયે હરખ ન માય,
ગુરુ અમારા પ્રેમી રે પીધી પ્યાલી પ્રેમ તણી…… જ્ઞાની ગુરુ