JAGO NE JASHODA NA JAYA – BHAJAN PRABHATIYU
જાગોને જશોદાના જાયા – પ્રભાતિયું ભજન
રચનાઃ નરસિંહ મહેતા
જાગોને જશોદાના જાયા, વાણલા રે વાયા,
તમારે ઓશીકે મારાં ચીર તો દબાયા…..ટેક
પાસુ રે મરડો તો વાલા, ચીર લઉં હું તાણી રે,
સરખી રે સૈયરુ સાથે જાવું છે પાણી રે,…. જાગો ને જશોદાના જાયા…
પંખીડા બોલે રે વાલા, રજની રહી થોડી રે,
સેજલડી ઉઠો વાલા, આળસ મરડી રે….. જાગો રે જશોદાના જાયા…..
તુને સાદ રે પાડું તો વાલા, સુતા લોક જાગે રે,
અંગુઠો મરડુ તો મારા દલડા માં દાજે રે…. જાગો રે જશોદાના જાયા….
સાસુડી હઠીલી અને નણદલ મેણાં મારે રે,
પડોશણ ના ઘેરે, વલોણા ગાજે રે….. જાગોને જશોદાના જાયા….
જેને જેવો ભાવ હોય, તેને તેવું થાય રે,
નરસૈયાના સ્વામી વિના વહાણલું ના વાય રે…. જાગોને જશોદાના જાયા….