એવું ગઢપણ ગોજારું આવ્યું દોડતું રે – ગુજરાતી ભજન સંતવાણી
EVU GADHAPAN GOJARU AVYU DODATU – SANTVANI LYRICS GUJARATI
રચનાઃ દાસ વિઠ્ઠલ
એવું ગઢપણ ગુજારું આવ્યું દોડતું રે,
કાયા જુઓ ડગુ મગુ થાય,
કેડે રે વાંકા થઈ ગયા અંગડા,
લાકડી ના ટેકેથી હલાય……. ટેક
નેવા રે નમિયાને થરથર્યા ખોરડા,
પછી તું પડું પડું થાય,
હાડ માંસ સુકાણા શરીરના,
પાયા મૂળથી જાય…. એવું ગઢપણ
કાન રે ગયા ને આંખે થયા અંધારા,
દુનિયામાં કાંઈ ન દેખાય,
દાંત રે ગયા ને ભૂખ થયા બોખલા,
કાયા ના રૂપ ગયા કરમાઈ…. એવું ગઢપણ
ખૂણામાં ઢાળિયા જેને ખાટલા,
અવાવરું ઓરડીની માય,
દીકરા દીકરીયુ ને વહુઓ ન સાંભળે,
એવા દુઃખી દુઃખના દાડા જાય…. એવું ગઢપણ..
માવતરની ફરજ જોજો ન ચૂકતા,
શિર પર ઘણેરા ગુણ,
દાસ ‘વિઠ્ઠલ’ કે એવા કોક દીકરા,
ગુણીયલ ભૂલે નહીં એના ગુણ…. એવું ગઢપણ