આભમાં ઉગેલ ચાંદલો ને – સુંદર ગુજરાતી હાલરડું
AABH UGEL CHANDALO NE JIJABAI NE – SHIVAJI NU HALARADU
રચનાઃ રાષ્ટ્રીય શાયર ઝવેકચંદ મેઘાણી
આભમાં ઉગેલ ચાંદલો ને,
જીજાબાઈને આવ્યા બાળ રે,
બાલુડા ને માત હીંચોળે,
ધણણણ ડુંગરા ડોલે,
માતાજી જાબાઈ ઝુલાવે, શિવાજીને નીંદરુ ના’વે….. ટેક
પેટમાં પોઢીને સાંભળેલી બાળે,
રામ લક્ષ્મણ ની વાત રે,
શિવા રામ લક્ષ્મણ ની વાત,
માતાજીના મુખ જેદીથી,
ઉડી એની ઊંઘ તેદીથી…. માતા જીજાબાઈ
ઘુઘરા ધાવણી પોપટ લાકડી,
ફેરવી લેજે આજ રે,
શિવા ફેરવી લેજે આજ,
કાલે તારે હાથ રેવાની,
રાતી બંબોળ ભવાની…. માતા જીજાબાઈ
ધાવજો રે મારા પેટ ધાવી લેજો,
ખૂબ ધપીને આજ રે,
શિવા ખૂબ ધપીને આજ,
રહેશે નહીં રણ ઘેલુડા,
ખાવા મુઠ્ઠી ધાનની વેળા…. માતા જીજાબાઇ
આજ માતા ચોડે ચૂમીયો રે,
તમે ઝીલજો બેવડ ગાલ રે,
શિવા ઝીલજો બેવડ ગાલ,
કાલે તારા માથડા માથે,
ધુવાધાર તોપ મંડાશે…. માતા જીજાબાઈ
આજ માતાજીની ગોદમાં તુને,
હુંફ આવે આઠ પોર રે,
શિવા હુંફ આવે આઠ પોર,
કાલે કાળી મેઘલી રાતે,
વાયુ તારા મોતના વાસે…. માતા જીજાબાઈ
આજ માતા તારી પાથરી દેતી,
કુણા ફુલડા કેરી સેજ રે,
શિવા ફુલડા કેરી સેજ રે,
તેદી તારી વીર પથારી,
પાથરશે વીસ ભુજાળી…. માતા જીજાબાઈ
આજ માતાજીના ખોળલે રે,
તારા માથડા ઝોલે જાય રે,
શિવા માથડા ઝોલે જાય,
તે દી તારે શિર ઓશીકા,
મેલાશે તીર બંધુકા…. માતા જીજાબાઈ
ઊંઘી લેજે તું ઊંઘી લે મારા,
કેસર ભીના બાળ રે,
શિવા કેસર ભીના બાળ,
જાગી વેલો આવજે વીરા,
ટીપુમાં લોહીનું લેવા…. માતા જીજાબાઈ….