આ ઇતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો – સુંદર ગુજરાતી ભજન
AA ITIHAS JYARE PANBAI SAMBHALYO – PRACHIN BHAJAN
રચનાઃ ગંગાસતી
આ ઇતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો,
ત્યારે રે લાગ્યા સતીને પાય,
આજ મને તમે પાવન કીધી,
ને અંગમાં આનંદ માય….. ટેક
મોહ રૂપી પડળ ઉઘડી ગયાં,
હવે બીજું ગોઠે નહીં કાંઈ,
જગત સર્વે મને જૂઠું જણાયું,
ને જાગ્યો પ્રેમ ઉરમાય…. આ ઇતિહાસ જ્યારે
હવે મને આપ અભ્યાસ કરાવો,
ઈ રે માંગુ વરદાન,
ભલે રે તમે મારો મોહ ટાળ્યો ,
ને પવિત્ર તમારા દર્શન…. આ ઇતિહાસ જ્યારે
જેથી આવાગમન નડે નહીં,
ને જીવ દશા મટી જાય,
એવો ઉપદેશ આપો મને,
જેથી જીવન મુક્ત દર્શાય….. આ ઇતિહાસ જ્યારે
સરલ વાણી ગંગા સતી ની સાંભળીને,
પુરણ પ્રગટ્યો અધિકાર,
ગંગાસતી એમ બોલ્યા,
હવે લાગ્યો વચનમાં એકતાર….. આ ઇતિહાસ જ્યારે