AARATI KARU MARA HARI GURU SANT – SANTVANI BHAJAN
ભજન સંતવાણી- આરતી કરૂ મારા હરી ગુરૂ સંત….
રચનાઃ અખા ભગત
આરતી કરૂ મારા હરી ગુરૂ સંત,
છોડાવ્યા સર્વે ફંદ,ચોર્યાસીનાં બંધ
હરી ગુરૂ દેવની આરતી રે…(1)
આરતી ઉતારી લઉં વારણાં,
ધરૂ ચરણ કમળમાં ધ્યાન,
સદગુરૂને શિષ સોંપતા મારું,
ટળી ગયું દેહ અભિમાન.
હરી ગુરૂ દેવની આરતી રે…(2)
સદગુરૂની શોભાને શું કહું,
મુખથી વર્ણવી ન જાય,
હરી હર બ્રહ્મા જેની સ્તુતિ કરે,
એના વેદ વિમળ જશ ગાય.
હરી ગુરૂ દેવની આરતી રે..(3)
સદગુરૂએ મને શાનમાં,
સમજાવી સઘળી રીત,
જાગૃત સ્વપ્ન સુશુપ્તિ,
મને ભાસ્યું છે,તુરીયા તીત.
હરી ગુરૂ દેવની આરતી રે…(4)
મન ભાવે ગુરુએ મેર કરી,
આપ્યા સુખ અપાર,
અંતરના ચક્ષુ ઉઘાડ્યા,
મને ભાસ્યું છે બ્રહ્મ મય આકાર.
હરી ગુરૂ દેવની આરતી રે..(5)
સુરતા મારી શૂન્ય થઇ,
વરતી પામી વિશ્રામ,
જનમ મરણના રોગ મટ્યા,
હું તો પામી પદ નિરવાણ.
હરી ગુરૂ દેવની આરતી રે..(6)
અખે પદ અવલોકિયું ,
ઇ મારા સદગુરૂની શોધ,
અંતરયામી પોતે આત્મા વાલો,
મારો વિલસ્યા છે પોતાની મોજ.
હરી ગુરૂ દેવની આરતી રે..(7)
આરતી કરૂ મારા હરી ગુરૂ સંત,
છોડાવ્યા સર્વે ફંદ,ચોર્યાસીનાં બંધ
હરી ગુરૂ દેવની આરતી રે…