કીધી મુને ઘેલી ઓધા – ગુજરાતી ભજન સંગ્રહ
KIDHI MUNE GHELI ODHA -Gujarati Bhajan Lyrics
રચનાઃ દાસ મીઠો
કીધી મુને ઘેલી ઓધા કીધી મુને ઘેલી,
હે કાનુડે કામણગારે કીધી મુને ઘેલી… ટેક.
સાલુડાની સુધ બુધ ભુલી, ભાંગ પીધી મેં લીલી,
સેંથાને ઠેકાણે મેં તો ચોડી દીધી ટીલી…હે કાનુડે કામણગારે…
અમે જળ જમુના ગ્યા’તાં, માથે બેડાં મેલી કાના,
મુખડાની માયા લાગી નવ ચડે હેલી…હે કાનુડે કામણગારે…
જમુનાને તીરે ગૌ ચારે ગિરધર ઓધા,
મોરલી વગાડે કાનો રૂડી ને રંગીલી…હે કાનુડે કામણગારે…
ઘરનો રે ધંધો ભુલી, સગાંને સહેલી ઓધા,
કેમ કરી આવું હું તો કામ-કાજ મેલી…હે કાનુડે કામણગારે…
આંખલડી એવી લાગે અષાઢની હેલી ઓધા,
મળ્યો રે મીઠાનો સ્વામી, રંગ ગયો રેલી…હે કાનુડે કામણગારે…