કળા અપરંપાર – ગુજરાતી ભજનોનો અમુલ્ય સંગ્રહ
KALA APARAMPAR – SANTVANI SONG IN GUJARATI
રચનાઃ દુલા ભાયા કાગ
કળા અપરંપાર, એજી એમાં પહોંચે નહીં વિચાર,
એવી તારી કળા અપરંપાર જી… ટેક.
હરિવર તું કિયે હથોડે, આવા ઘાટે ઘડનાર જી,
બાળકમાં એના માતા-પિતાની,
આવે છે અણસાર…એવી તારી કળા….
અણુંમાં આખો વડ સંકેલ્યો,
એના મૂળ ઉંધા મોરાર જી, કીડીના આંતર કેમ ઘડિયા,
સૃષ્ટિના સર્જનહાર….એવી તારી કળા….
જન્મ પહેલા દૂધ જુગતે, તે કીધા તૈયાર જી,
મોરના ઈંડામાં રંગ મનોહર,
કેમ ભર્યા કિરતાર…એવી તારી કળા….
કોણ કોણ કલ્પે કોણ કોણ બોલે,
કોણ હા ને ના કહેનાર જી, પરસેવાની લીખ સરજી,
તાગ ન તારણહાર….એવી તારી કળા….
અણું અણુંમાં ઈશ્વર તારો, ભાસે છે ભણકાર જી,
કાગ કહે કઠણાઈ તોયે,
આવે નહીં ઈતબાર…..એવી તારી કળા ….