RAM PITA NI AANKHE-SANTVANI BHAJAN
ગુજરાતી સંતવાણી ભજન-રામ પિતાની રે આંખે…..
રચનાઃ કવિ કાન
રામ પિતાની રે આંખે આંસુડા છલકાણા,
આંસુડા છલકાણાએના કાળજડા રે ઘવાણા….રામ પિતાની (1)
જે દિન ચાલ્યા ઘોડે ચડીને ધનુષ્ય કાંઘે ધારી,
સરોવર કાંઠે અવાજ સાંભળી તુરંત કીધી તૈયારી,
બાણ માર્યુ જ્યાં મૃગલો જાણી,ત્યાં ચીસ પડી એક કારી,
જઇને જુએ ત્યાં તો તીરે વિંધાયેલ શ્રવણ કરે ચીસકારી,
પાણીને બદલે લોહીથી એના અંતિમ દેહ ભીંજાણા…રામ પિતાની (2)
શ્રવણ કુમારને દશરથ રાજાએ દીધા દિલાસા ભારી,
માવતર તારા રાખીશ અયોધ્યા પ્રાણ સમા હું જાણી,
વચન સાંભળી શ્રવણ સુતો ભવની નિદ્રા તાણી,
અંધ માવતરને દશરથ રાજાએ કીધી આ કરૂણ કહાણી,
વિલાપ વરતાયો કારમો એવો એની ચીસે ફાટે પાણા,…..રામ પિતાની (3)
અંધ માવતરનો હાથ પકડીને લાવ્યા શ્રવણની પાસ,
લોથ પડી ત્યાં રુદન કરે છે તેં તોડી આશા અમારી,
પુત્રના વિયોગે અમે તલખીયે તારી પણ એ રાસ,
એટલું કહેતા પ્રાણ જ છોડયા નાખીને વિશ્વાસ,
માત પિતાને શ્રવણ કુમારના અંતિમ દેહ ખડકાણા…..રામ પિતાની (4)
પ્રસન્નતામાં કકૈયી રાણીને દીધા વચન બહુ ભારી,
રાજતિલકની હતી તૈયારી ત્યાં તો વચન બોલે અહંકારી,
ભરત મારો ગાદી ભોગવે એવી છે માંગ અમારી,
રામને વનવાસ ચૌદ વરસનો માંગે એ નારી,
રામ લખમણને સતી સીતાના તે દીને સુખ લુટાણા….રામ પિતાની (5)
અંતિમ સમયે દશરથ રાજાને નયને છલકાણા નીર,
જ્યારે સાંભલ્યા સરોવર કાંઠે શ્રવણને મારેલ તીર,
પુત્ર વિયોગે હું તલખુ અને વનમાં છે રઘુવીર,
કાન કહે રામને રટતા રાજાના પ્રાણે કર્યા પરીયાણા…રામ પિતાની (6)
રામ પિતાની રે આંખે આંસુડા છલકાણા,
આંસુડા છલકાણાએના કાળજડા રે ઘવાણા….રામ પિતાની
SANTVANI DHAN,GUJARATI SANTVANI BHAJAN