JUNA DHARAM LYO JANI – SANTVANI BHAJAN LYRICS
જુના ધરમ લ્યો જાણી- ભજન સંતવાણી
રચનાઃગણપત દાસ
જુનો ધરમ લ્યો જાણી મારા સંતો,
જુનો ધરમ લ્યો જાણી….. ટેક
નદી કિનારે કોઈ નર ઊભો, તૃષ્ણા નહીં છિપાણી,
કા તો એનું અંગ આળસુ, કા સરિતા સુકાણી…. મારા સંતો જુનો ધરમ….
કલ્પતરુ તળે કોઈ જન બેઠો, સુધા ખૂબ પીડાણી,
નહિ કલ્પતરુ નક્કી બાવળિયો, કાં ભાગ્યરેખા ભેળાણી…. મારા સંતો જુનો ધરમ….
સદગુરુ સેવ્યે શિષ્ય ન સુધર્યો,વિમળ થઈ નહીં વાણી,
કાં તો ગુરુ જ્ઞાન વિનાના,કાં તો એ પાપી પ્રાણી…… મારા સંતો જુનો ધરમ…..
ભક્તિ કરતાં ભય દુઃખ આવે, ધીરજ નહીં ધરાણી,
કા સમજણ તો રહી ગઈ છેટે,કા નહીં નામ નીર્વાણી….. મારા સંતો જુનો ધરમ….
ચિંતામણી ચેત્યો નહીં, મળી ચિંતા નવ ઓલાણી,
નહિ ચિંતામણી નક્કી એ પથ્થરા, વસ્તુ ન ઓળખાણી…… મારા સંતો જુનો ધરમ…..
મળ્યુ ધન તોય મોજ ન માણી, કહું કરમની કહાણી,
કાં તો ભાગ્ય બીજાનુ ભળીયુ, કા તો ખોટી કમાણી….મારા સંતો જુનો ધરમ…
અમૃત મળ્યું પણ અમર થયો નહીં, પીવાની જુગતી ન જાણી,
કાંતો ઘટમાં ગયું નહીં, ને કા પીવામાં આવ્ પાણી…. મારા સંતો જુનો ધરમ….
ધર્મ કર્મ ને ભક્તિ, જાણે ભેદ વિના ધૂળ ધાણી,
કહે ‘ગણપત’ સમજી લ્યો સંતો, પૂરી પ્રીત સમાણી….. મારા સંતો જુનો ધરમ….