PAKO PREM JYARE ANG MA AVE…- SANTVANI BHAJAN
પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે…
રચનાઃ ગંગાસતી
પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે,
ત્યારે સાધના સર્વ શમી જાય,
કરવું એને કાંઇ નવ પડે,
ને સહજ સમાધિ એને થાય…….ટેક
કર્તાપણું સર્વે મટી જાય ત્યારે,
જગત જુઠું જાણ્યું ગણાય,
અંતઃકરણમાં ભક્તિ આવે નિર્મળ,
ત્યારે ખરી દ્રઢતા બંધાય….પાકો પ્રેમ (1)
કોઇ પ્રપંચ એને નડે નહિ,
જેના મટી ગયા પૂર્ણ વિકાર,
અંતરમાંથી જેણે મર્યાદા ત્યાગી,
અટકે નહીં જગત વ્યવહાર…..પાકો પ્રેમ (2)
શુદ્ધ વચનમાં સુરતા બંધાણી,
ને મટી ગયા વાદ વિવાદ,
ગંગાસતી એમ બોલિયા પાનબાઇ,
એને આવે સુખ સ્વાદ…..પાકો પ્રેમ (3)
પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે,
ત્યારે સાધના સર્વ શમી જાય,
કરવું એને કાંઇ નવ પડે,
ને સહજ સમાધિ એને થાય…..