આંધળી માનો કાગળ – એક હ્રદયસ્પર્શી ગુજરાતી રચના
ANDHALI MA NO KAGAL – GUJARATI BEST SONG
રચનાઃ ઇન્દુલાલ
અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું સત,
પુનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત…
ગગો એનો મુંબઈ ગામે, ગીગુભાઈ નાગજી નામે,
લખ કે માંડી! પાંચ વર્ષમાં પહોંચી નથી એક પાઈ,
કાગળની એક ચબરખી પણ તેને મળી નથી ભાઈ,
સમાચાર સાંભળી તારા, રોવું મારે કેટલા દા’ડા?…
ભાણા નો ભાણિયો લખે છે કે ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડીયુ ખેંચવા રાતે હોટલમાં ખાય,
નીત નવા લુગડા પહેરે પાણી જેમ પૈસા વેરે….
હોટલનું જાજુ ખાઈશ માં રાખજે ખર્ચી ખુટનું માપ,
દવા દારૂના દોકડા આપણે કાઢીશું ક્યાંથી, બાપ!
કાયા તારી રાખ જે રૂડી, ગરીબની ઈ જ છે મૂડી….
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું કુબામાં કર્યો છે વાસ,
ઝારનો રોટલો જડે નહીં તે દી પીવું છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું મારે નિત જારનું ખાણું….
દેખતી તે દી દળતા, પાણી કરતી ઠામો ઠામ,
આંખ વિનાના આંધળાને હવે કોઈ ન આપે કામ,
તારે ગામ વીજળી દીવા મારે અહીં અંધારા પીવા….
લીખીતન તારી આંધળી મા ના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર,
હવે નથી જીવવા આરો, આવ્યો ભીખ માગવા વારો….