આયો શરણ હું આપને,અપનાવો મદન અરી – ગુજરાતી ભજન સંતવાણી
AAYO SHARAN HU AAPANE APANAVO MADAN ARI – BEST BHAJAN SANTVANI
રચનાઃ કવિ આલ
આયો શરણ હું આપને,અપનાવો મદન અરી,
મુકી તુને મહાદેવજી,જાવુ ના બીજે જરી….. ટેક
ભોળા શંકર ભાવથી ત્ર્યંબક ચાહું તમને,
વહાલું નહીં વિષધર સમું મનડામાં બીજું મને,
દિન બંધુ દયા દાખવો કૃપાળુ કૃપા કરી…. અપનાવો મદન અરી….
દેવાધિ મોટા દેવ છો શક્ર જેવા સેવતા,
શારદ નારદ સર્વ આવે દ્વાર તારે દેવતા,
ગુણ ગાન તારા ગાય છે હાથ જોડી બ્રહ્મા હરી…. અપનાવો મદન અરી…
કંઠ ભુજંગ નીલકંઠ ને શોભતા શણગાર છે,
માથા ઘણા મરદો તણા હૈયા ઉપર હાર છે,
ગંગા અહોર્નિશ ગાજતી,શીશ માથે સુરસરી…. અપનાવો મદન અરી
ઉમિયાજી સંગ ઓપતા, ભાલચંદ્ર ભાલમાં,
ભૂતો ભયંકર નાચતા તા તા થૈ થૈ તાલમાં,
બમ બમ ભોલે સર્વ બોલે ફૂદરડીઓ ફરી ફરી…. અપનાવો મદન અરી
મહાદેવ તારે મંદિરીયે, આવ્યા છીએ અમે,
બેઠા ઝાલીને બારણું, તરછોડશો માં તમે,
મહેર તમારી માંગું છું પ્રભુજી પગે પરી….. અપનાવો મદન અરી
દાની ઘણેરા છો દયાળુ, ઈશ આશુતોષ છો,
તું પ્રેમ સાગર પ્રભુજી કરુણાના કોશ છો,
અરજી સુણી કવિ આલની, ભેટજો ભક્તિ ભરી…. અપનાવો મદદ અરી