એવા રે અમો એવા રે – સંતવાણી ભજન
EVA RE AMO EVA RE – PRACHIN BHAJAN
રચનાઃ નરસિંહ મહેતા
એવા રે અમો એવા રે એવા,
તમે કહો છો વળી તેવા રે,
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો,
તો કરશું દામોદરની સેવા રે …..
જેનું મન જે સાથે બાંધ્યું,
પહેલું હતું ઘર- રાતું રે,
હવે થયું છે હરીરસ માતું,
ધેર ધેર હીંડે છે ગાતું રે …….
કર્મ-ધર્મની વાત છે જેટલી,
તે મુજને નવ ભાવે રે,
સઘળા પદારથ જે થકી પામ્યો,
તે મારા પ્રભુજીની તોલે ના’નાવે રે……
સઘળા સંસારમાં એક હું ભુડો,
ભુંડાથી વળી ભુંડો રે,
તમારે મન માને તે કહેજો,
નેહ લાગ્યો છે મને ઊંડો રે …….
હળવા કરમનો હું નરસૈયો,
મુજને તો વૈષ્ણવ વ્હાલા રે,
હરીજનથી જે અંતર ગણશે,
તેના ફોગટ ફેરા ઠાલા રે……