વડલો કહે મારી વનરાયું સળગી – BHAJAN SANTVANI

વડલો કહે વનરાયું સળગી ને,
છોડી દીયોને જુના માળા,
ઉડી જાઓ પંખી પાખું વાળા હો જી …..
આભે ચડીયા સેન અગનના,
ધસિયા અમ દશઢાળાજી,
આ ઘડીએ ચડી ચોટ અમોને,
ઝડપી લેશે જ્વાળા,
ઉડી જાઓ પંખી પાંખુ વાળા હો જી …..
બોલ તમારા હૈયે બેઠા,
રૂડાને રસ વાળા જી,
કો ક દિ આવીને ટહુકી જાજો,
મારી રાખ ઉપર રૂપાળા.
ઉડી જાઓ પંખી પાંખો વાળા હો જી …..
પ્રેમા પંખીડા પાછા નહીં મળીએ,
વન મારે વિગતાળા જી,
પડદાં આડા મોતનાં પડીયા,
તે પર જડીયા તાળા,
ઉડી જાઓ પંખી પાંખુ વાળા હો જી …
આશરે તમારે ઇંડા ઉછેર્યા,
ફળ ખાધાં રસવાળા જી,
મરવા વખતે સાથ છોડી દે,
તો મોઢાં થાય મશવાળા,
ઉડી જાઓ પંખી પાંખો વાળા હો જી …..
ભેળા મરશું, ભેળા જનમશું,
માથે કરશું માળા જી,
કાગ કે આપણે ભેળાં બળિશું,
ભેળાં ભરીશું ઉચાળા,
ઉડી જાઓ પંખી પાંખુ વાળા હો જી …..