વિકટ છે મારગ ભક્તિનો – ભજન સંતવાણી ગીત
VIKAT CHHE MARAG BHAKTI NO – BEST BHAJAN LYRICS
રચનાઃ કવિ રણછોડ
પ્રથમ વિચાર સૌ કોઈ કરજો,
વિકટ છે માર્ગ ભક્તિનો,
પછી પગલું તમે ભરજો,
વિકટ છે માર્ગ ભક્તિનો…..ટેક
દુઃખના પહાડ ઉતરશે,
જગત નિંદા બહુ કરશે,
પ્રભુ કાંઈ એમ ના મળશે,
વિકટ છે માર્ગ ભક્તિનો….
પ્રશંસા આજે જે કરશે,
એ કાલે શત્રુ થઈ ફરશે,
દુરિજન સંગ તે ભળશે,
વિકટ છે માર્ગ ભક્તિનો….
સગા સ્નેહી વિરુદ્ધ થાશે,
ન કોઈને સત્ય સમજાશે,
કસોટીમાં જીવન જાશે,
વિકટ છે માર્ગ ભક્તિનો….
ખરા ભક્તો નથી ડરતા,
કદાપિ ફાંસીએ ચડતા,
પ્રભુજી આપે નિડરતા,
વિકટ છે મારગ ભક્તિનો…..
જરા જો લોકોથી ડરશો,
જરૂર તમે પાછા પડશો,
ન સાચી મુક્તિ મેળવશો,
વિકટ છે માર્ગ ભક્તિનો….
પ્રીતિ ‘રણછોડ’માં જેને,
ન પરવા લેશ પણ તેને,
અનુભવથી કહું છું તમને,
વિકટ છે મારગ ભક્તિનો…….