સત્ય વસ્તુમાં જેનું ચિત્ત – ભજન સંતવાણી
SANTVANI SONG BY GANGA SATI
સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું,
એ ચારે વાણી થકી પાર,
સ્વપ્નમાં પણ જે ચળે નહીં,
એ તો નિર્ભય નર ને નાર …. ટેક
ભેદવાણીપણાનો સંશય ટળી ગ્યો,
ને મટી ગયો વર્ણ વિકાર,
તન મન ધન જેણે પોતાનું માન્યું ના,
સતગુરૂ સાથે જે એકતાર ….. સત્ય વસ્તુમાં …. (1)
એવાને ઉપદેશ તુરત જ લાગે,
જેણે પાળ્યો સાંગોપાંગ અધિકાર,
અલૌકિક વસ્તુ આ એવાને કહેજો,
નહીં તો રહેશે ના કંઇ સાર…. સત્ય વસ્તુમાં …. (2)
હરી ગુરુ સંતને એ ક રૂપ જાણજો,
ને રહેજો સ્વરૂપમાં લીન,
ગંગાસતી એમ બોલિયા પાનબાઇ,
સમજુ તમે છો મહાપરવીણ …. સત્ય વસ્તુમાં ….. (3)