હરી રસ પીવે બીજાને પાય – અનમોલ સંતવાણી ભજન
HARI RAS PIVE BIJA NE PAY – BHAJAN LYRICS
રચનાઃ ભક્ત કવિ પુરૂષોત્તમ
હરિ રસ પીવે બીજાને પાય,
સાચા સાધુ એમ ઓળખાય…… ટેક
સાગર જેવા દિલડા જેના,
કદીએ ના છલકાય,
ઝેરના ઘૂંટડા જીરવી જાણે,
અમૃત બીજાને પાય…… સાચા સાધુ…
સોના જેવા શુદ્ધ છતાંય,
અગ્નિમાં હોમાય,
કસોટી ટાણે ઓછા ન ઉતરે,
સો ટચના કહેવાય…… સાચા સાધુ…
છીપ માંથી મોતી છૂટ્ટા પડીને,
પારખું પાસે જાય,
ઝવેરી એના માથે જુલમ કરે,
પછી મૂલ મોંઘેરા થાય….. સાચા સાધુ….
પુરુષોત્તમ કહે પ્રભુ પ્રતાપે,
સંગ એવાનો સુખદાય,
કર્મ સંજોગે આવી મળે તો,
ભાગ્ય રેખા પલટાય…. સાચા સાધુ…